Gujarat New Cabinet: નવા મંત્રીમંડળની રચના પહેલા સ્વર્ણિમ સંકુલમાં કેવી ગતિવિધિ થઈ ગઈ શરૂ? જાણો વિગત
નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે.
![Gujarat New Cabinet: નવા મંત્રીમંડળની રચના પહેલા સ્વર્ણિમ સંકુલમાં કેવી ગતિવિધિ થઈ ગઈ શરૂ? જાણો વિગત Gujarat New Cabinet: activity start for new ministers seating arrangement at Swarnim Sankul 2 Gujarat New Cabinet: નવા મંત્રીમંડળની રચના પહેલા સ્વર્ણિમ સંકુલમાં કેવી ગતિવિધિ થઈ ગઈ શરૂ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/15/ccdf14fe4ed7658ec7d89067a31d7759_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે.
બીજી તરફ નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે.
નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. હાલ, તો નીતિન પટેલના નિવસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે, તેઓ સાડા દસથી અગિયાર વાગ્યે ગાંધીનગર જવા રવાના થાય તેવી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમના નિવાસસ્થાને કોઈ ગતિવિધિ નજરે પડતી નથી.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે, તેમને ફોનથી સૂચના આપવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, ગઈ કાલે જ જે મંત્રીઓને પડતા મુકવાને છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી પૂરી શક્યતા છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઇ શકે છે તેમજ મંત્રીઓને શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી સંભાવનાઓ છે. સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે.
જેમના મંત્રી તરીકે નામ પાક્કા માનવામાં આવી રહ્યા છે, તેમની વાત કરીએ તો જીતુ વાઘાણી, ગોવિંદ પટેલ, આત્મારામ પરમાર, ડો.નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, મોહનભાઈ ઢોડિયા, કેતન ઇનામદાર, ઋષિકેશ પટેલ, શશિકાંત પંડ્યા અને ગોવિંદભાઈ પરમારના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. જોકે, શપથવિધિમાં જ સાચા નામા જાણવા મળશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે. જેમને પડતા મુકવામાં આવ્યાં છે તે પૈકીના પૂર્વ મંત્રીઓને પણ એક બાદ એક બોલાવીને સૂચના આપી દેવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)