ગુજરાતમાં કોરોના કેસો વધતાં સ્કૂલો બંધ કરાવાશે કે નહીં ? જાણો રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણીએ શું આપ્યો જવાબ ?
ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.
રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અપાય છે ત્યા કોરોનાના નિયમોનું પાલન નથી થતું. શાળાઓમા કોરોના નિયમોનું પાલન ન થવા મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જ્યાં જ્યાં નિયમો નું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં પાલન કરવા કડક સૂચનાઓ છે અને કોઈ નિયમો ન પાળે તે નહિ ચલાવી લેવાય. અલબત્ત અત્યાર સુધી કેટલી સ્કૂલો સામે પગલાં ભરાયાં તેન વિગતો તેણે નહોતી આપી.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભારતની બાળકો માટેની વેકસીન ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયે પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે, કોઈ પણ બાળક રસી લીધા વિના ન રહી જાય તેની ચિંતા રાજ્ય સરકારે કરવાની છે પણ વાલીઓને સલાહ છે કે ડરવાની જરૂર નથી પણ લડવાની જરૂરિયાત છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે તેથી પેનિક ઉભું ન કરીએ એ જરૂરી છે.
તેમણે દાવો કર્યો કે, ગુજરાતમાં માત્ર 25 લાખ લોકો જ પ્રથમ ડોઝ લીધા વિનાના બાકી છે અને 26 લાખ લોકો જ રાજ્યમાં બીજા ડોઝમાં બાકી છે ત્યારે બહુ જલદી સો ટકા રસીકરણ થઈ જશે. કોરોના સામે ની લડાઈ માટે વેકસીન મહત્વની સાબિત થઈ છે તેથી સરકાર સો ટકા રસીકરણ કરાવવા માંગે છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. બીજી તરફ 141 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,01,471 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753 કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં 1 મોત થયું છે.