National Education Policy: આ તારીખે કેવડિયા ખાતે એકત્ર થશે દેશભરના શિક્ષણ જગતના દિગ્ગજો, જાણો વિગતે
ગાંધીનગર: આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવા અને દાદરા નાગર હવેલી જેવા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોની યુનિવર્સિટીઓના ૪૦૦થી વધુ મહાનુભાવો વાઇસ ચાન્સેલર અને NEP કોઓર્ડિનેટર જોડાશે. એટલુ જ નહિ, વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓનાં ૨૦ સ્પીકર્સ NEP-૨૦૨૦નાં મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરશે.
ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP)-૨૦૨૦ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-૨, કેવડિયા ખાતે એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦”નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનશેરીયા, ભારત સરકારના UGCના ચેરમેન પ્રો. એમ. જગદેશકુમાર, ભારત સરકારના AICTE ના ચેરમેન પ્રી.ટી.જી. સીતારામની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવા અને દાદરા નાગર હવેલી જેવા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોની યુનિવર્સિટીઓના ૪૦૦થી વધુ મહાનુભાવો વાઇસ ચાન્સેલર અને NEP કોઓર્ડિનેટર જોડાશે. એટલુ જ નહિ, વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓનાં ૨૦ સ્પીકર્સ NEP-૨૦૨૦નાં મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરશે.
આ કોન્ફરન્સનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ની પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ પર “અખિલ ભારતીય શિક્ષા સમાગમ” વિષય પર તા ૭, ૮ અને ૯ જુલાઇ, ૨૦૨૨ના રોજ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેના "Way Forward" અંતર્ગત આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાના સહયોગથી નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ના અમલીકરણ પર પશ્ચિમ ઝોનના વાઇસ ચાન્સલર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં મુખ્ય રાષ્ટ્રીય પહેલ તેમજ ઉભરતા વૈશ્વિક વિષયો પર વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે તથા NEP-૨૦૨૦નાં મુખ્ય ક્ષેત્રોનાં અમલીકરણની વ્યૂહરચનાઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવીન વિચારો અને સફળતાની ગાથાઓ પર પ્રકાશ પાડશે.
આ કોન્ફરન્સ એકબીજા પાસેથી શીખવા તથા રાજ્યભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં સહયોગ અને પ્રોત્સાહન આપશે. આ કોન્ફરન્સ દરમિયાન હિસ્સેદારો જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેની ચર્ચા કરશે અને પડકારોનો સામનો કરવા માટે અપનાવવામાં આવેલા પગલા વિશે પણ ચર્ચા કરશે, જે તમામ ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બનશે.
આ કોન્ફરેન્સમાં ચાર સત્ર હશે અને તેના મુખ્ય વક્તાઓમાં સત્રના અધ્યક્ષ તરીકે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સચિવ પ્રો. અભય કરંદીકર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારી, અટલ ઇનોવેશન મિશનના મિશન ડાયરેકટર ડૉ. ચિંતન વૈષ્ણવ, તેમજ યુજીસીના ચેરમેન પ્રો. જગદેશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ સત્રમાં વક્તા તરીકે વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરઓ પોતાનું વક્તવ્ય આપશે.