ગુજરાતમાં કોરોનાને રોકવા જ્યંતિ રવિની ઉપર મૂકાયા આ ઉચ્ચ અધિકારી, આખા રાજ્યની સોંપાઈ જવાબદારી
જો કે કોરોનાના કેસોને ફેલાતા રોકવામાં આરોગ્ય વિભાગ દ્વારા ધાર્યું પરિણામ ન આપી શકતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો અને કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારે સ્થિતીને ગંભીર બનતી રોકવા કમર કસી છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) પંકજ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. રૂપાણીએ પંકજ કુમારના સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગને મૂકી દીધો છે.
અત્યાર લગી આ જવાબદારી જ્યંતિ રવિ સંભાળતાં હતાં. જો કે કોરોનાના કેસોને ફેલાતા રોકવામાં આરોગ્ય વિભાગ દ્વારા ધાર્યું પરિણામ ન આપી શકતાં રાજ્ય સરકારે આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડો.જંયતિ રવિની ઉપર પંકજ કુમારને મૂક્યા છે. પંકજ કુમાર કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સુચારૂં સંકલન- સુપરવિઝન અને મોનિટરીંગ કરાશે. વિજય રૂપાણી સરકારે ગુજરાતના કોવિડ-19ના વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરી છે.
પંકજ કુમાર ભૂતકાળમાં આરોગ્ય અગ્રસચિવ પણ રહી ચૂક્યા છે. મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી હોવાથી વહિવટી સ્તરે કલેક્ટર સહિત રાજ્યભરના જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. કોવિડ-19ના નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી સરળતાથી કામગીરી લઈ શકે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગમાં રહી ચૂક્યા હોવાથી હોસ્પિટલોનું સંચાલન પણ સારી રીતે કરી શકે તેમ છે. અત્યારે પંકજ કુમાર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિત કોવિડ19 માટેની હોસ્પિટલો, મેડિકલ ફેસેલિટી, હ્યુમન રિસોર્સ સહિતની બાબતો સંભાળી રહ્યા છે. હવે તેઓ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિની ઉપર રાજ્યભરમાં કોવિડ-૧૯ને સ્પર્શતી તમામ બાબતો સંદર્ભે વિશેષ અધિકારી તરીકે મોનિટરીંગ કરશે.