શોધખોળ કરો
ગુજરાતના ક્યા કોગ્રેસ નેતાના પુત્રએ કર્યો આપઘાત, કેનાલમાંથી મળી લાશ
ફાયર વિભાગે જાસપુર નજીક કેનાલમાંથી જયરાજસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાત કોગ્રેસના એક નેતાના પુત્રએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જયરાજસિંહે આત્મહત્યા કયા કારણોસર કરી તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગે જાસપુર નજીક કેનાલમાંથી જયરાજસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સૂત્રોના મતે જયરાજસિંહે પિતરાઇ ભાઇને ફોન કરી કહ્યું હતું કે,છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જા. જયરાજસિંહના આ ફોન બાદ તેના પરિવારજનો કેનાલ પાસે પહોંચ્યા હતા જ્યાં તેઓને જયરાજસિંહનું બાઈક, ચંપલ અને પાકીટ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. બાદમાં ફાયરબ્રિગ્રેડને ઘટનાની જાણ થતાં જયરાજસિંહના મૃતદેહને શોધવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં મંગળવારે જયરાજસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી જયરાજસિંહના આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
વધુ વાંચો




















