ભૂપેન્દ્ર પટેલ પણ CMના સત્તાવાર નિવાસને બદલે બંગલા નંબર 26માં રહેવા જશે, જાણો કેમ આ બંગલો મનાય છે શુકનિયાળ ?
મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં આવેલા ભૂપેન્દ્ર પટેલ પહેલાંના બંને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ પણ આ બંગલાને છોડયો નહોતો. હવે ભૂપેન્દ્ર પટેલ આ બંગલાના સત્તાવાર હક્કદાર બની રહ્યાં છે.
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં મંત્રીમંડળના સભ્યોને સેક્ટર-20માં ફાળવવામાં આવેલા મંત્રી નિવાસમાં બંગલા ફાળવી દેવાયા છે. આ પૈકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 26 નંબરનો બંગલો ફાળવાયો છે. સત્તાવાર રીતે મુખ્યમંત્રીને 1 નંબરનો બંગલો ફાળવાય છે પણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું.
મોદીએ એક નંબરના બંગલાને સરકારી કચેરીમાં ફેરવી નાંખ્યો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં આવેલા ભૂપેન્દ્ર પટેલ પહેલાંના બંને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ પણ આ બંગલાને છોડયો નહોતો. હવે ભૂપેન્દ્ર પટેલ આ બંગલાના સત્તાવાર હક્કદાર બની રહ્યાં છે.
ભાજપના મુખ્યમંત્રીઓ બંગલા નંબર 1ના બદલે બંગલા નંબર 26માં રહે છે તેનું કારણ એવી માન્યતા છે કે, આ બંગલો શુકનિયાળ છે. આ બંગલામાં રહેતા મિનિસ્ટર અવશ્ય મુખ્યમંત્રી બને છે તેથી મુખ્યમંત્રીઓ આ બંગલો પસંદ કરે છે. ઘણા તેને અંધશ્રધ્ધા માને છે પણ ભાજપના મુખ્યમંત્રીઓ તેને અનુસરે છે.
ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે એક નંબરના બંગલામાં રહેતા હતા અને તેમણે 26 નંબરનો બંગલો અમરસિંહ ચૌધરીને ફાળવ્યો હતો. આ બંગલામાં રહેતા અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા. એ પછી ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એક નંબરના બંગલામાં રહેતા હતા. એ વખતે 26 નંબરનો બંગલો છબીલદાસ મહેતાના ફાળે આવ્યો હતો. ચીમનભાઈના અવસાન પછી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતા. કેશુભાઇના શાસન વખતે કેશુભાઈ બંગલા નંબર 1માં રહેતા હતા અને બંગલા નંબર 26 નંબરમાં સુરેશ મહેતા રહેતા હતા. કેશુભાઈ સામે બળવો થતાં સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં દિલિપ પરીખ આ બંગલામાં હતા અને તેઓ મુખ્યમંત્રી થયા હતા.
મોદીએ આ અનુભવોને ધ્યાનમાં રાખીને 2001માં મુખ્યમંત્રીપદે આવ્યા ત્યારથી તેમણે 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું અને એક નંબરના બંગલાને કચેરીમાં ફેરવી નાંખ્યો હતો.