કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Kutch News:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવું જ હવે કચ્છ યુનિવર્સિટીનું ભોપાળું સામે આવ્યું છે. MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું છે. 25 અને 26 નવેમ્બરના અર્થશાસ્ત્રના સેમ-1, 2ના પેપર બેઠા પૂછી લેવાની ઘટના બની છે. દિવાળી પહેલા પણ યુનિ.ની પરીક્ષામાં એક સમાન પ્રશ્નપત્ર પૂછ્યા હતા. આ સ્થિતિ સર્જાતા, બંને પેપર સેટ કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માગ કરાઈ છે.

Kutch News:કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષાનો છબર઼ડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં MA સેમેસ્ટર 1માં 2022નું બેઠું પેપર જ પૂછાતા યુનિર્સિટીમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. આ સમગ્ર છબરડાને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, 25 નવેમ્બરથી કચ્છ યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા થી શરૂ થઈ છે, જેમાં તારીખ 25ના એમએ અર્થશાસ્ત્ર સેમેસ્ટર-1નું પેપર CCEC 101 એકમલક્ષી-1 અર્થશાસ્ત્રનું પેપર અને તા.26ના અર્થશાસ્ત્ર એમ.એ સેમેસ્ટર - 1નું પેપર CCEC 102 સમગ્રલક્ષી-2 નું પેપર વર્ષ 2022નું મૂકી દેતા કચ્છ યુનિવર્સિટીની કામગારી કેવી છે, તેનો જીવતો જાગતો પુરાવો મળ્યો છે. ત્યારે આ છબરડો પ્રકાશમાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ છબરડા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પેપર સેટ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જ્યારે આ મામલે રજૂઆત કરવા વિદ્યાર્થી પરિષદના લોકો પહોંચ્યા તો ત્યાં કોઇ હાજર ન હોવાથી રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, દિવાળી પૂર્વે લેવાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમેસ્ટરમાં પણ પેપરમાં છબરડા જોવા મળ્યા હતા.આ છબરડાની તપાસ કરવા માટે પણ કમિટીની રચના કરવામાં આવી હતી અને નકકર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. ઉપરાંત દિવાળી પૂર્વે લેવાયેલી પરીક્ષાના 45 દિવસથી વધુ દિવસ વીતી ગયા છતાં પરિણામો આપવામાં આવ્યા નથી.
આવી જ ઘટના ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) માં પણ બની હતી. અહીં સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું એક પેપર આશ્ચર્યજનક રીતે ગત વર્ષની પરીક્ષાનું જ પૂછાયું હતું. આ ઘટના સામે આવતા GTUના રજિસ્ટ્રાર (કુલસચિવ) કે.એન. ખેર (KN Kher) એ પણ સ્વીકાર્યું હતું કે, સેમેસ્ટર 7નું આ પેપર રિપીટ થયું હતું અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.





















