ગુજરાતના આ શહેરમાં ઓમિક્રોનના વધુ 3 કેસ નોંધાતા ખળભળાટ, જાણો કુલ કેસની સંખ્યા કેટલી થઈ ?
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે. આજે રાજ્યમાં નવા 13 કેસ સાથે કુલ કેસની સંખ્યા 43 પર પહોંચી છે.
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા દર્દીઓના રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામા આવ્યા હતા.તેમાંથી ત્રણ દર્દીઓના રિપોર્ટ ઑમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક દર્દી દુબઇથી આવેલા છે, એક દર્દી તાન્ઝાન્યાથી આવ્યા છે અને એક નડિયાદના દર્દી ઑમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા ઓમિક્રોનના 5 નવા કેસ મળી આવ્યાં હતા. વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થયા હતા. જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાન્ઝાનિયાથી મણીનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોન સંક્રમિત થઇ છે. હવે શહેરમાં ઓમિક્રોનના કુલ કેસ 9 થયા છે.
વડોદરા શહેરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા સૌથી વધુ છે. વડોદરા શહેરમાં આજે ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા વડોદરા શહેરમાં 17 પર પહોંચી છે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશન 18, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7, કચ્છ 6, વલસાડ 5, ખેડા 3, રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સાબરકાંઠા 2, વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.