Gujarat Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, આ જિલ્લામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જામ્યો છે. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે.
પાટણ : બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જામ્યો છે. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 3 કલાકમાં રાધનપુર અને સાંતલપુરમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા છ કલાકમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.
જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. રાઘનપુરના બસ સ્ટેશનથી હાઇવે પરની દુકાનોમાં પાણી ભરાયા છે. જેના કારણે માલસામાનને નુકસાન થવાની શક્યતા છે.એટલું જ નહીં રાધનપુરના લાલ બાગ, મન્ડી ચોક સહિતના વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
જ્યારે સાંતલપુર પંથકમાં ભારે પવનના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવનના કારણે કેટલીક હોટલોના પતરા ઉડ્યા છે. તો અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પાટણ- હારીજ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જેના કારણે એક તરફનો રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી છે.
આગામી 24 કલાક આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ ?
ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે. ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ
બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. સતત ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓને જોડતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયુ છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.