અમદાવાદ પ્લેન ક્રેશમાં પ્રવાસીઓ સિવાય કેટલા તબીબી વિદ્યાર્થીઓના થયા મોત અને કેટલા થયા ઘાયલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર, 27 ને સામાન્ય ઈજાઓ; મૃતકો અને ઘાયલોની યાદી જાહેર, તમામ સારવાર હેઠળ.

Ahmedabad plane crash victims list: આજે અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં જ્યાં વિમાન ક્રેશ થયું તે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ માં અભ્યાસ કરતા 4 તબીબી વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા છે. આ ઉપરાંત, 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે, જ્યારે 27 જેટલા તબીબી વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ છે.
મૃતક વિદ્યાર્થીઓની વિગતો
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તબીબી વિદ્યાર્થીઓના નામ અને અભ્યાસની વિગતો નીચે મુજબ છે:
- બીજા વર્ષમાં અભ્યાસ કરતા રાકેશ દિયોરા
- બીજા વર્ષમાં અભ્યાસ કરતા જયપ્રકાશ ચૌધરી
- પહેલા વર્ષમાં અભ્યાસ કરતા આર્યન રાજપુત
- પહેલા વર્ષમાં અભ્યાસ કરતા માનવ ભાડુ
ગંભીર હાલત ધરાવતા વિદ્યાર્થીઓ
દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભાવેશ શેઠ
- પહેલા વર્ષમાં અભ્યાસ કરતા આશિષ મીના
આ ઘટનાએ મેડિકલ કોલેજ અને સમગ્ર તબીબી ક્ષેત્રમાં શોકનો માહોલ સર્જ્યો છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ભારે દુઃખ અને ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
PM મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક પ્લેન ક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી હતી.
દુર્ઘટના સ્થળ અને ક્ષતિગ્રસ્ત ઇમારતોનું નિરીક્ષણ
વડાપ્રધાન મોદીએ પ્લેન ક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત
પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન એ દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને તેમના સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનએ લીધી હતી અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં દુર્ઘટના સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.





















