'22 મે થી લૉ-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે, 24 થી 28 મે વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકશે' - અંબાલાલની ગુજરાત માટે આગાહી
Ambalal Patel Forecast: મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે

Ambalal Patel Forecast: ગુજરાતમાં ગઇકાલથી અચાનક હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે, એટલું જ નહીં જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે પણ વરસાદ માટેની મોટી આગાહી કરી છે. જે અંતર્ગત સાત દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે, જો માવઠુ થશે તો ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાંખ્યો છે. ત્યાં બીજી તરફ હવે થોડા ઘણાં બચેલા પાકનો પણ કચ્ચરઘાણ કાઢવા માટે વાવાઝોડુ પણ આવી રહ્યું છે.
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. 24થી 28 મે વચ્ચે ગુજરાત સુધી પહોંચી જશે વાવાઝોડું. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. દક્ષિણ-પૂર્વના તટિય વિસ્તારમાં ભારે વરસાદ થશે. 100 કિમી પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે. 20 જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે.
31 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વિસાવદરમાં ખાબક્યો હતો. કોટડાસાંગાણીમાં બે ઈંચ, કુંકાવાવ-વડિયામાં પોણા બે ઈંચ, ગોંડલમાં પોણા બે ઈંચ, જામકંડોરણામાં દોઢ ઈંચ, બગસરામાં દોઢ ઈંચ, લીલીયામાં સવા ઈંચ, સાગબારામાં સવા ઈંચ, કુકરમુંડામાં એક ઈંચ, શંખેશ્વરમાં પોણો ઈંચ, બરવાળામાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.





















