Amreli : કોરોનાએ પરિવારનો માળો વીખી નાંખ્યો, એક જ પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી
અમરેલી જિલ્લાના રાજુલામાં ફુલનો વેપાર કરતાં પરિવારમાં માત્ર પાંચ જ દિવસમાં પરિવારના ચાર સભ્યોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અમરેલીઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારના માળા વીખેરાઇ ગયા છે અને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ વધુ સંક્રમણ ફેલાયું હતું. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં ફુલનો વેપાર કરતાં પરિવારમાં માત્ર પાંચ જ દિવસમાં પરિવારના ચાર સભ્યોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પાંચ જ દિવસમાં માતા-પિતા અને બે પુત્રો એમ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મોટા દીકરાનું નિધન કોરોનાથી થયું હતું. જ્યારે તેના આઘાતમાં ત્રણ લોકોના હૃદય બેસી ગયા હતા. રાજુલામાં ફૂલના વેપારી મનસુખભાઈ પરમારને 17 દિવસ પહેલા કોરોના થયો હતો. 3 દિવસ ઘરે સારવારર લીધા બાદ સીટી સ્કેનનમાં ફેફસામાં 70 ટકા ઇન્ફેક્શન આવ્યું હતું. જેથી તેમને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
60 વર્ષીય મનસુખભાઈના પરિવારમાં અગાઉ કોઈ મોટી બીમારી આવી ન હતી. પરંતુ પુત્રને ઓક્સિજન પર જોઈ માતા જયાબેન પરમાર ( ઉં. વ. 75 )નું હૃદય બેસી ગયું. માતાના નિધનના બે જ દિવસમાં કોરોનાગ્રસ્ત મનસુખભાઈનું પણ મોત થયું હતું. મનસુખભાઈના મોતનો તેના પિતા પ્રફુલભાઈ પરમાર (ઉં. વ. 78 ) અને ભાઈ મનોજભાઈ ( ઉં. વ. 56)ને ખૂબ જ આઘાત લાગ્યો હતો. બે દિવસ પછી સવારે પ્રફુલભાઈનું હૃદય બેસી ગયું. પરિવાર તેની અંતિમવિધિ કરી પરત આવ્યો ત્યાં સાંજે મનોજભાઈનું પણ હૃદય બેસી જવાથી મોત થયું.
આમ, માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં ઘરના તમામ વડીલો કાળના ગર્તામાં સમાઈ ગયા. એક જ પરિવારના ચાર-ચાર લોકોના મોતથી રાજુલા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મનસુખભાઈ પત્ની અને બે પુત્રો તથા મનોજભાઈ પત્ની અને પુત્ર પુત્રીને નોધારા છોડી ગયા હતા.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.