મધમાખી ઉછેરથી ગ્રામીણ ક્ષેત્રમાં સ્વરોજગારના નવા દ્વાર ખુલ્યા, ઓછા ખર્ચ સામે મળે છે વધુ નફો
અમૂલ ડેરીના પશુપાલકોએ 16,000 કિલો મધનું ઉત્પાદન કરીને ‘મિશન મધમાખી’ કાર્યક્રમને અપાવી સફળતા; ખેડૂતોની આવકમાં થયો વધારો.
Beekeeping in Gujarat: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી આધારિત ઉદ્યોગો ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીનું એક મહત્વપૂર્ણ સાધન છે. આ પૈકી, મધમાખી ઉછેર એક અગત્યનો ઉદ્યોગ છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મધનું ઉત્પાદન કરે છે અને ખેડૂતોની આવકમાં વધારો કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ‘મીઠી ક્રાંતિ’નો ઉલ્લેખ કર્યો હતો, જે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે સરકારની એક મહત્વની પહેલ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ‘મિશન મધમાખી’ એક મહત્વપૂર્ણ પગલું છે.
‘મિશન મધમાખી’ કાર્યક્રમ
બાગાયત વિભાગ દ્વારા 2022-23થી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહિત કરવા, તેમને માર્ગદર્શન અને તાલીમ આપવા તેમજ મધ ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ અને માર્કેટિંગની વ્યવસ્થા સુધારવાનો છે.
અમૂલ ડેરીની સફળતા
‘મિશન મધમાખી’ કાર્યક્રમને અમૂલ ડેરી દ્વારા ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ ડેરીએ આ વર્ષની શરૂઆતમાં 284 પશુપાલન ખેડૂતોને ₹10,000ના યોગદાન સાથે આ પ્રોજેક્ટમાં સામેલ કર્યા હતા. ડેરી દ્વારા દરેક સભ્યને 10 મધમાખીના બોક્સ અને 5 સભ્યો વચ્ચે 1 હની એક્સ્ટ્રેક્ટર આપવામાં આવ્યું હતું. આ ખેડૂતોએ અત્યાર સુધીમાં 16,000 કિલો મધનું ઉત્પાદન કર્યું છે, જે આ પ્રોજેક્ટની મોટી સફળતા છે. અમૂલ ડેરીના પ્રોસેસિંગ અને પેકિંગ યુનિટ દ્વારા 2 ટન મધનું પ્રોસેસિંગ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ખેડૂતો સીધા વેચાણ દ્વારા પણ આવક મેળવી રહ્યા છે અને પહેલા જ વર્ષમાં રોકાણના લગભગ 75 ટકા વસૂલ કરી લીધા છે.
મધમાખી ઉછેરના ફાયદા
મધમાખી ઉછેર શરૂ કરવા માટે ઓછો ખર્ચ થાય છે અને તેનાથી વધુ નફો મેળવી શકાય છે. મધ ઉપરાંત, મીણ, રોયલ જેલી, મધમાખીનું ઝેર અને ગુંદર જેવી અન્ય વસ્તુઓનું પણ ઉત્પાદન કરી શકાય છે. મધમાખી ઉછેરથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારીની તકો ઉભી થાય છે અને ખેડૂતોની આવક વધે છે. આ ઉપરાંત, મધમાખીઓ પાકોના પરાગનયનમાં મદદ કરે છે, જેનાથી પાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો થાય છે. મધમાખી ઉછેરની પર્યાવરણ પર પણ સારી અસર પડે છે.
‘મિશન મધમાખી’નો લાભ કોણ લઈ શકે?
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત વિભાગ, રજિસ્ટર્ડ ખેડૂત સમૂહ, FPO, FPC, 'A' ગ્રેડની સહકારી સંસ્થાઓ, સહકારી ડેરી અને જિલ્લા દૂધ સહકારી સંઘ આ કાર્યક્રમનો લાભ લઈ શકે છે.
સરકાર દ્વારા સહાય
આ કાર્યક્રમ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મધમાખી ઉછેર માટે બોક્સ, મધ કાઢવાના સાધનો, ફૂડ ગ્રેડ કન્ટેનર અને અન્ય સાધનો માટે સહાય આપવામાં આવે છે. પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડરૂમ, મધમાખી સંવર્ધન અને ક્લિનિક માટે પણ સહાય મળે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને 2022-23માં ₹53 લાખ અને અમૂલ ડેરીના પ્રોજેક્ટને 2024-25માં ₹127.43 લાખની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચો....
ભારતીય મહિલાઓ પાસે આ 5 દેશો કરતાં વધુ સોનું, આ રાજ્યની મહિલાઓ પાસે સૌથી વધુ!