ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમ ભૂવાને મોકલાયો ત્રણ દિવસના રિમાન્ડ પર, ભત્રીજાની પણ ધરપકડ
આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારા મહેસાણાના ઉપરચી ગામના નરાધમ ભૂવા ભગા ચૌધરીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભગા ચૌધરીના રિમાન્ડ મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદ બાદ પોલીસ પકડથી બચવા તેના ભત્રીજાના ઘરે ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ભૂવાને મદદ કરનારા અને મહેસાણામાં રહેતા ગૌરવ ચૌધરીને પણ મોડી સાંજે ઉઠાવી લીધો હતો. ભગા ઉર્ફે શંકર ચૌધરી નામના ભૂવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ભત્રીજાએ ઢોંગી ભૂવાને મોબાઈલ ડેટા ડિલિટ કરવાની વાત કરી હતી. તો પોલીસે દુષ્કર્મ આચરવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે કારને પણ જપ્ત કરી લીધી છે. તો કારના માલિકને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
રિમાન્ડમાં પોલીસ પૂછપરછમાં ભગા ચૌધરીએ જણાવ્યું હતું કે મને ખબર પડી કે પોલીસ મને શોધી રહી છે ત્યારે મે સંતાવવા માટે તેના ભત્રીજાનો ઉપયોગ કર્યો હતો. મહેસાણામાં રહેતા ગૌરવ ઈશ્વરભાઈ ચૌધરી પોલીસથી બચાવવા માટે તેના સગા કાકાની મદદ કરી હતી. ભગા ચૌધરીની રહેવા તેમજ જમવા સાથે છૂપાવવામાં મદદ કરી હતી. ચાણસ્મા પોલીસે પાટણ FSL ટીમને જાણ કરવામાં આવી હતી. એફએસએલ ટીમ દ્વારા ઢોંગી ભૂવાની ગાડીની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ કારની પણ તપાસ કરાઇ હતી.
ચાણસ્મા તાલુકાના એક ગામમાં થોડા મહિના અગાઉ હવન કરવા ભગા ચૌધરી આવ્યો હતો. દરમિયાન ભોગ બનનાર સગીરા સાથે તેનો સંપર્ક થતા પીડિતાને ફસાવી હતી. ત્યારબાદ કારમાં બેસાડી પાટણ જીઈબી હાઈવે પર લઈ જઈ કારમાં ભગો ચૌધરીએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ભૂવાએ વીડિયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની જાણ સગીરાના પિતાને થતા તેઓએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભૂવાની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.