shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા શાળા પ્રવેશોત્સવથી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની 21મી કડીના બીજા દિવસે છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રીએ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની પી.એમ. તાલુકા શાળા નં ૧ ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાઓ – બાળકો તેમજ ધોરણ ૯ તથા ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યુ છે.
આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે.
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત શિક્ષકોને સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ બને, દરેક પરિવારનો બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વર્ગખંડોમાં જઇને વાંચન લેખન, ગણન કૌશલ્ય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. તેમણે સ્માર્ટ વર્ગ ખંડ સહિત શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે આ શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ શાબ્દિક સ્વાગત કરતાં શાળા પ્રવેશોત્સવની પૂર્વભૂમિકા આપી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ આભાર દર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
વર્ષ ૨૦૦૫ ૦૬માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શાળા પ્રવેશ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડનારા વિદ્યાર્થીઓનું અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું, ધોરણ ૩ થી ૮માં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા હતા.
આ તકે મુખ્યમંત્રીએ શાળાના લર્નિંગ કોર્નરની મુલાકાત લીધી હતી તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, અગ્રણી ઉપેન્દ્રભાઇ રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે પરમાર, અધિકારી પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.