GUJARAT : ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં? જાણો કોણે આપ્યું આ નિવેદન
એક બાજુ નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાતોએ જોર પજાડ્યું છે, તો બીજી બાજુ પક્ષપલટાની ચર્ચાઓ પણ થઇ રહી છે.
GUJARAT : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ થઇ રહ્યું છે. એક બાજુ નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાતોએ જોર પજાડ્યું છે, તો બીજી બાજુ પક્ષપલટાની ચર્ચાઓ પણ થઇ રહી છે. થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યએ ગુજરાત કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો ભાજપના ‘રડાર’માં હોવાનો ધડાકો કર્યો હતો, તો હવે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.
ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં : સુખરામ રાઠવા
વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દાવો કર્યો કે છે કે પહેલા કોંગ્રેસ (Congress) છોડીને ભાજપ (BJP)માં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આ સાથે જ ભાજપ(BJP)માં જેમને ટિકિટ નથી મળવાની એ ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યએ કર્યો હતો દાવો
થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ના 10 જેટલા ધારાસભ્યો પર ભાજપ(BJP)ની નજર છે. એક ટ્વીટમાં સંયમ લોઢાએ લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, સ્વસ્થ રહો અને સતર્ક રહો. આ સાથે જ આ ટ્વીટમાં સંયમ લોઢાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કર્યા છે.
ભાજપે દાવાનો સ્વીકાર કર્યો
ઉલ્લેખનીય છે કે સંયમ લોઢાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. તેના આ દાવાનો ભાજપે આડકતરી રીતે સ્વીકાર કર્યો છે. ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે કેટલાક કોંગ્રેસ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ પહેલા એક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે અમે કોઈને બોલાવતા નથી. કોંગ્રેસ તેમના નેતાઓને જાળવવામાં નિષ્ફળ ગઈ છે.