રાજ્યમાં બે દિવસ નહીં મળે કોરોનાની રસી, વોક ઇન વેક્સિનેશન શરૂ થતાં સ્ટોક ખૂટવા લાગ્યોઃ સૂત્ર
અઠવાડિયા અગાઉ દૈનિક ચાર લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતા વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા.
રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આગામી બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બંધ રહેશે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ અગાઉ મમતા દિવસને લીધે બુધવારે પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતુ. આમ જાન્યુઆરીમાં વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદથી લઈને અત્યાર સુધીમાં પહેલીવાર સતત ત્રણ દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના આ નિર્ણયથી સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે ત્રીજી લહેરના ભય વચ્ચે ત્રણ ત્રણ દિવસ માટે કેમ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. શું વેક્સિનની અછત સર્જાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વેક્સિનેશનની જરૂરીયાત સામે 45 ટકા જેટલો જથ્થો ઓછો આવી રહ્યો છે.
હાલ ગુજરાતને દૈનિક ચાર લાખ જેટલો રસીનો જથ્થો જોઈએ છે. તેની સામે સવા બે લાખ જેટલા જ ડોઝ મળે છે. અઠવાડિયા અગાઉ દૈનિક ચાર લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતા વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. ત્યાર બાદ 15થી 17 લાખ જેટલા ડોઝ મળતા હતા. પરંતુ જરૂરીયાત સામે આ ડોઝ ઘણા ઓછા છે.
અગાઉ રાજ્યને બે થી અઢી લાખ ડોઝ મળતા હતા. જેને કેંદ્ર સરકારે 10-12 દિવસ પહેલા વધાર્યા હતા. આ ઉપરાંત અગાઉ રસી મેળવવા ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી હતુ. તેથી રસી માટે આવનારની સંખ્યા પણ ઓછી રહેતી હતી. તેથી રસીનો સ્ટોક પડ્યો પણ રહેતો હતો. જે પાછલા સપ્તાહમાં કામે લાગતા સરકારે એક જ સપ્તાહમાં 28 લાખ ડોઝ આપ્યા હતા.
જો કે સરકારે જ્યારથી રસી માટે 18થી 45 વર્ષના નાગરિકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન મરજીયાત કર્યું છે. ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો રસીકેંદ્રો પર આવે છે. તેની સામે રસીના ડોઝની સંખ્યા ઘટતા રસીકરણ ખુબ જ ઘટી ગયું છે.
ગુજરાતમાં કોરોના કેસ
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 65 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. રાજ્યમાં ગઈકાલે 289 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1969 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે.