Gujarat: રાજ્યમાં લોકસભામાં કેટલા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ? કઈ બેઠક પર છે સૌથી વધુ ઉમેદવાર, જાણો
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.
Elections 2024: લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે.
લોકસભામાં કેટલા ઉમેદવાર વચ્ચે જામશે જંગ
સ્ક્રુટીની બાદ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 136-વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.
કાળઝાળ ગરમી અને તીવ્ર ગરમીના મોજા વચ્ચે યોજાનારી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સોમવારે (22 એપ્રિલ, 2024) એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે સામાન્ય ચૂંટણીઓ પર ગરમીની અસરની સમીક્ષા કરશે. આ ટાસ્ક ફોર્સમાં ચૂંટણી પંચ, ભારતીય હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય મંત્રાલય વગેરેના અધિકારીઓ સામેલ હશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ટાસ્ક ફોર્સ મતદાનના દરેક તબક્કાના પાંચ દિવસ પહેલા ગરમી અને ગરમીના મોજાની સમીક્ષા કરશે. શુક્રવારે (26 મે, 2024) બીજા તબક્કાના મતદાન માટે, ચૂંટણી પંચે કહ્યું - ભારતીય હવામાન વિભાગે હીટવેવ વિશે માહિતી આપી છે કે આવી કોઈ 'મોટી ચિંતા' નથી. હવામાનની આગાહી સામાન્ય છે. ચૂંટણી પંચ દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતના ઘણા ભાગોમાં રવિવાર (21 એપ્રિલ, 2024) ના રોજ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. IMD અનુસાર, ઓડિશા અને રાયલસીમા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું.