Accident: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, 2નાં મોત, 17 ઘાયલ
Accident: રાજ્યમાં આજે અનેક જગ્યાએ રોડ અકસ્માતની ઘટના બની છે. સુરતમાં અકસ્માતમાં 1 યુવકનું મોત થયું છે જ્યારે સિદ્ધપુર હાઇવે પરના અકસ્માતમાં 2નાં મોત થયા છે.

Accident: ગુજરાતમાં આજે અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ છે. સુરત, વડોદરા અને સિદ્ઘપુર હાઇવે પર રોડ અકસ્માત સર્જાયો છે. જુદા જુદા અકસ્માતમાં કુલ 6નાં મોત થયા છે. જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.
વડોદરામાં નેશનલ હાઈવે પર અકસ્માત
વડોદરામાં નેશનલ હાઈવે પર બસ ટ્રકમાં ધુસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નેશનલ હાઇવેની ગોલ્ડ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ સ્પીડમાં આવતી ખાનગી બસ ઘૂસી જતા ચિચયારી મચી ગઇ હતી. સાત લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં.
સુરતના કામરેજમાં ટ્રેલરની રફતારનો કહેર
સુરતના કામરેજમાંમાં ચાર વાહનોની અંદરો અંદર ટક્કરતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું છે અને બેને ઇજા પહોચી છે. અહીં પોલીસ વાન સહિત ચાર ચાર વાહનોએ ટક્કર મારતા બે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી જેને સારવાર હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માતમાં એક વાહન ચાલકનું મોત મૃત્યુ થયું છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હતો. રાજસ્થાન પાસીંગ ટ્રકે કહેર વર્તાવ્યો હતો.
ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે અકસ્માત
ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત, 17 લોકો ઘાયલ થયા છે. બાલોતરાથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના પાલનપુર જકાતનાકા પાસે અકસ્માત
સુરતના પાલનપુર જકાતનાકા પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો બેફામ ટ્રકે યુવકને કચડી નાખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત સર્જાયું હતું. મૃતક રાત્રીના સમયે ટ્રકના ટાયર નીચે સૂતો હતો.વહેલી સવારે ટ્રક ચાલકે ટ્રક ચાલુ કરી રિવર્સ લેતા યુવક કચડાયો હતો. ટ્રકનું વ્હીલ યુવકના માથા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં માર્ગ અકસ્માતમાં બેનાં મોત
મહેસાણામાં રોડ અકસ્માતમાં બેના મોત થયા છે. લકઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 15થી વધુને ઈજા પહોંચી હતી. બસ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહી હતી.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં અકસ્માતની ઘટનામાં વધારો
ઉલ્લેખનિય છે કે,વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં 15185 અને વર્ષ 2022માં 15751થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં અકસમાતાં વધારો જોવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11,890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2,063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તરપ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે.



















