પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં કરવામાં આવી ધરપકડ
પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતાં.
ગાંધીનગરઃ પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતાં. આવતીકાલે કાર્યવાહી કરીને રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતાઓ છે. એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ફફડાટ છે. ન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે.
ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરી છે. એસ કે લાંગા ગાંધીનગરના કલેકટર રહી ચૂક્યા છે, જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતી કરવાના કેસમાં ધરપકડ કરાઈ છે.
ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યા છે. આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવા બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત પણ સામે આવી છે. નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.
ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે લાંબા સમયથી ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ લેવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં શું છે ?
લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની અંદર આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial