Gram Panchayat Election Result: પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીરના પુત્રને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મળી હાર
Gram Panchayat Election Result 2025: એક પંચાયતમાં રાજ્ય કક્ષાના મંત્રી પુત્રની હાર થઈ છે તો બીજી એક ગ્રામ પંચાયતમાં પૂર્વ રાજ્ય મંત્રીના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે.

Gram Panchayat Election Result 2025: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં કેટલાક પરિણામો રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે. કારણ કે, એક પંચાયતમાં રાજ્ય કક્ષાના મંત્રી પુત્રની હાર થઈ છે તો બીજી એક ગ્રામ પંચાયતમાં પૂર્વ રાજ્ય મંત્રીના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે. 2027 ચૂંટણી પહેલા રાજ્યમાં બે દિગ્ગજ નેતાના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વાસણ આહીરના પુત્રને પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર મળી છે.
સામે આવેલા પરિણામો મુજબ કચ્છની બહુ ચર્ચિત અને હાઈ પ્રોફિલ સરપંચની ચૂંટણીમાં પૂર્વ મંત્રીના પુત્રની હાર થઈ છે. કચ્છની બહુ ચર્ચિત રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણ આહીરના પુત્ર ત્રિકમ આહીરની હાર થઈ છે. રતનાલ ગ્રામ પંચાયતના સરપંચ પદે સરીયાબેન ત્રિકમભાઈ વરચંદ 155 મતે વિજેતા થયા છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર જિલ્લાના લોકોની નજર રતનાલ ગ્રામપંચાયત ઉપર હતી પરંતુ પૂર્વ ધારાસભ્ય વાસણ આહીર આ ગ્રામ પંચાયત બચાવી શક્યા નથી. આજે બે દિગ્ગજ નેતાના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે. જેથી 2027 પહેલા રાજ્ય સરકાર માટે આ ચિંતાનો વિષય બન્યો છે.
ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહના પુત્રની પણ હાર થઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રની કારમી હાર થઈ છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય થતા ચારે તરફ ચકચાર મચી છે. તમને જણાવી દઈએ કે, કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600થી મતે ચૂંટણી હાર્યા છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા જ્યારે કિરણસિંહ ભીખુસિંહ પરમારને માત્ર 751 મત મળ્યા હતા. આમ મંત્રીપુત્રની કારમી હાર થતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
તમને જણાવી દઈએ કે, ભીખુસિંહ 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. ભીખુસિંહ બાદ કિરણસિંહ સરપંચ રહ્યા હતા. કિરણસિંહ પછી પુત્રવધુ જયાબેન કિરણસિંહ પણ સરપંચ રહ્યા હતા. આમ આ હાર થતા 20 વર્ષથી ચાલતા ભીખુસિંહ પરમારના પરિવારના એકીચક્ર શાસનનો અંત આવ્યો છે.
હાર બાદ મંત્રી ભીખુસિંહ પરમારની પ્રતિક્રિયા
પોતાના પુત્રને મળેલી હાર બાદ મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જનતાએ આપેલો ચૂકાદો શિરોમાન્ય છે. તેમણે વિજેતા ઉમેદવાર મંગળસિંહને અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, એન્ટી ઈન્કમબંસીના કારણે પરાજય થયો છે.





















