ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
નાણાંકીય વ્યવસ્થા સુધારવા, ડિજિટલ સેવાઓ વધારવા અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકાયો.

Fourth Finance Commission report: ગુજરાત વિધાનસભામાં આજે ચોથા નાણાંપંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પંચાયતોની નાણાંકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે.
ચોથા નાણાંપંચ દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નાણાંકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રીને નાણાંકીય સિદ્ધાંતોની તાલિમ આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈ ગ્રામ પોર્ટલ પર બી ટૂ સી સેવાઓ માટે પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. પંચે નોંધ્યું છે કે પેમેન્ટ ગેટ વેના અભાવે ચૂકવણીમાં વિલંબ થાય છે, હિસાબો મેળવવામાં મુશ્કેલી પડે છે અને વપરાશકર્તાઓને પણ અસુવિધાનો સામનો કરવો પડે છે.
અહેવાલમાં સરકારી વિભાગોના ડેશબોર્ડનો યોગ્ય ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પંચે જણાવ્યું છે કે સરકારના વિવિધ ડેશબોર્ડ પર વિસંગતતા અને વિલંબિત ડેટા એન્ટ્રીના કારણે નિર્ણય પ્રક્રિયા ધીમી પડી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે ડેશબોર્ડના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે તમામ ગ્રામ પંચાયતોને ડિજીટલ સેવાઓમાં આવરી લેવાની ભલામણ પણ કરવામાં આવી છે. આ સાથે, ગ્રામ્ય કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં AI આધારિત ગવર્નન્સ માટે પણ ભલામણો કરવામાં આવી છે. કૃષિ, સ્વચ્છતા અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં નિરીક્ષણ માટે સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવાથી કાર્યક્ષમતા વધારી શકાય છે તેમ પણ પંચે જણાવ્યું છે.
વેરા વસુલાતમાં વધારો કરવા માટે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS) મેપિંગ કરવા અને જમીનના રેકોર્ડ, પાણીના સ્ત્રોતો અને વિકાસ કામો માટે GIS ડેશબોર્ડ બનાવવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. ભંડોળની ફાળવણી અંગે પંચે મહત્વની ભલામણ કરતા જણાવ્યું છે કે હવેથી વસ્તી અને વિસ્તાર પર આધાર રાખ્યા વિના પંચાયતોમાં ભંડોળની ફાળવણી પાઈ સ્કોરના આધારે થવી જોઈએ. આ ઉપરાંત, પંચાયત અને મ્યુનિસિપલ સંપત્તિઓના વિકાસ માટે ફંડ ફાળવવા અંગે પણ ભલામણ કરવામાં આવી છે.
અહેવાલમાં શહેરી વિસ્તારના પ્રોજેક્ટ, દરિયાકાંઠા વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી આપત્તિઓ જેવી બાબતોને પણ આવરી લેવામાં આવી છે અને તેના માટે પણ વિશેષ ભલામણો કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ સુધીના ગાળામાં રાજ્યની રાજકોષીય ખાદ્ય ૧.૨૦ ટકા રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં જીએસડીપી તરીકે ગુજરાતનું જાહેર દેવું ૧૪.૯૬ ટકા રહેવાનો અંદાજ છે. સારી વાત એ છે કે રાજ્યની કરવેરા અને બિનકરની આવકમાં વધારો નોંધાયો છે અને મહેસુલી આવક પ્રમાણે રાજ્યની કરવેરા આવક ૫૮.૬ ટકાથી વધીને ૬૩.૮ ટકા થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
