Gir somnath:ગીર સોમનાથ જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ, સાગરખેડૂઓને ભારે નુકસાન
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે ગીર ગઢડા તાલુકાના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકાના શાણાવાકિયા, બેડીયા, સૂરવા અને આંકોલવાડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેતરમાં તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. શાણાવાકિયા ગામે ડુંગળી, તલ, ઘઉં, ચણા અને કેસર કેરીને નુકસાન થયું છે.
કેસર કેરીના બગીચાના માલિકોને આ વખતે સારા પાકની આશા હતી. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાલાળા શહેર અને તાલુકાના માધુપુર, ગુંદરણ, જસાધાર, આંબલાશ સહિતના ગામોમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
ઉના શહેર અને તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ઉનાના નવા બંદર દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા માછીમારોના ઝૂંપડા ધરાશાયી થયા હતા. કમોસમી વરસાદને સાગરખેડૂઓને પણ ભારે નુકસાન થયું છે.
Gujarat: કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન, માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે. અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે. ઘઉં, રાયડો, એરંડો, જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું. યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી. રાયડો, એરંડો, ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે. સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.