વિસાવદરમાં આપ vs ભાજપ-કોંગ્રેસ: ગોપાલ ઇટાલિયાનો જોરદાર પ્રહાર; 'ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકલે, ગઝનીથી મોટા લૂંટારાઓ છે!'
ઇકોઝોન અને સૌની યોજના મુદ્દે આકરા પ્રહારો, 'ગઝની નહીં, તેનાથી મોટા લૂંટારાઓ છે' ઇટાલિયા; કોંગ્રેસને ભાજપના 'ખોળામાં' ગણાવી.

Gopal Italia news today: આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતોના પ્રશ્નો, ભ્રષ્ટાચાર અને પોતાના "આયાતી ઉમેદવાર" હોવાના આક્ષેપો પર ખુલ્લીને વાત કરી હતી.
ગુજરાતના રાજકારણમાં પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ABP અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી
ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના પ્રશ્નો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "મારા પર પ્રહારો કે ગાળો દેવાથી થોડા ખેડૂતોના પ્રશ્નો દૂર થશે." તેમણે ઇકોઝોન અને સૌની યોજનાના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ઇકોઝોન અને સૌની યોજનાનો પ્રશ્ન મને ગાળો દેવાથી દૂર ન થાય."
'ગઝનીથી પણ મોટા લૂંટારાઓ' - ઇટાલિયા
ઇટાલિયાએ ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, "મહમંદ ગઝની સોમનાથ મંદિર લૂંટવા આવ્યા હતા. આ લોકો (ભાજપ) ખેડૂતો અને મંડળીઓના નામેં ગઝની નહીં તેના કરતા મોટા લૂંટારાઓ છે." તેમણે પોતાના નિવેદનને વાજબી ઠેરવતા ઉમેર્યું કે, "લૂંટારાઓને લૂંટારાઓ ન કહું તો શું કહું?"
'આયાતી ઉમેદવાર' ના આક્ષેપ પર પલટવાર
પોતાને "આયાતી ઉમેદવાર" ગણાવવામાં આવતા ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે પૂછ્યું કે, "હું આયાતી ઉમેદવાર છું તો કિરીટ પટેલ ક્યાં ગામના છે?"
'ખાતરીબંધ વસ્તુઓ જ લેવાની હોય':
આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવતી ગેરંટી (ખાતરીઓ) અંગે તેમણે કહ્યું કે, "હું મારી ખાતરી આપું છું, ખાતરી બંધ વસ્તુઓ જ લેવાની હોય." આ નિવેદન AAP ના 'ગેરંટી' મોડેલ પરના વિશ્વાસને દર્શાવે છે.
'કેશુબાપાના ગયા બાદ કોઈ ધણીધોણી નથી'
ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કેશુબાપાના ગયા બાદ આ વિસ્તારમાં કોઈ ધણીધોણી નથી." આ નિવેદન દ્વારા તેમણે ભાજપમાં નેતૃત્વના અભાવનો સંકેત આપ્યો હોઈ શકે છે.
કોંગ્રેસ પર પણ પ્રહાર
ઇટાલિયાએ માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યો કે, "કોંગ્રેસએ ભાજપના ખોળામાં અને ખીસામાં રહીને ચૂંટણી લડી છે." આ નિવેદન દ્વારા તેમણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની કથિત સાંઠગાંઠ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ગરમાવો પેદા કર્યો છે અને આગામી દિવસોમાં આના પર વધુ રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે.





















