હવે ગામડાં પણ બનશે સ્માર્ટ: પંચાયતો માટે કરોડોની ભેટ, કચેરીઓ અને આવાસ થશે આધુનિક! મુખ્યમંત્રીની મોટી જાહેરાત
Bhupendra Patel panchayat decision: ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓ માટે અનુદાનમાં મોટો વધારો, તલાટી આવાસ પણ બનશે.

Gujarat panchayat grant: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણી છે, તેવી ગ્રામ પંચાયતોને નવા પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કર્યો છે. હવેથી, 10 હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘરના નિર્માણ માટે અગાઉ અપાતી 27 લાખ રૂપિયાની સહાયની જગ્યાએ મહત્તમ 40 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
આ ઉપરાંત, 5 હજારથી 10 હજાર સુધીની વસ્તીવાળા ગામોમાં પંચાયત ઘરોના બાંધકામ માટેની મહત્તમ યુનિટ કોસ્ટ 22 લાખ રૂપિયાથી વધારીને 34.83 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણ માટે અપાતી 17 લાખ રૂપિયાની સહાયને વધારીને હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા અને લોકોની સુવિધા માટે મુખ્યમંત્રીએ એક વધુ મહત્વનો નિર્ણય લીધો છે. નવીન ગ્રામ પંચાયત ઘરની સાથે તલાટી કમ મંત્રી માટે આવાસ પણ બનાવવામાં આવશે. જેના કારણે ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ લોકોને સરળતાથી થઈ શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટે પણ સહાયમાં વધારો કર્યો છે. હવે તાલુકા પંચાયતોને 3 કરોડ 10 લાખ રૂપિયાને બદલે 5 કરોડ રૂપિયા અથવા તો મકાન નિર્માણમાં થયેલો ખરેખર ખર્ચ, આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
જિલ્લા પંચાયતોની કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્ટમાં પણ મુખ્યમંત્રીએ વધારો કર્યો છે. હવે જિલ્લા પંચાયતોને નવા મકાનના નિર્માણ માટે 38 કરોડ રૂપિયાને બદલે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલો ખર્ચ, આ બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ સહાય રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગ્રામીણ સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થશે, જેના પરિણામે લોકોને પણ સરળતા રહેશે અને વધુ સુદ્રઢ સેવા માળખું ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત રીતે ઠરાવો પણ જારી કરી દીધા છે.





















