પાટણમાં ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં ગેનીબેનનો હુંકાર: ભાજપના ઠાકોર ધારાસભ્યો માત્ર 'નામના જ નેતા'!
અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર, ગેનીબેને ભાજપના ઠાકોર નેતાઓને 'પાવર વગરના પ્રધાન' ગણાવ્યા.

Geniben Patan speech: પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજ સુધારણા, વ્યસનમુક્તિ, શિક્ષણને પ્રાધાન્ય આપવા જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને રાજકારણમાં સમાજનું યોગ્ય નેતૃત્વ સુનિશ્ચિત કરવા અંગે પણ આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ સંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી અને બળદેવજી ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મહાનુભાવોએ સમાજમાંથી કુરિવાજોને નાબૂદ કરવા, વ્યસનમુક્તિને પ્રોત્સાહન આપવા, યુવા યુવતીઓને ફરજિયાત શિક્ષણ આપવા અને ખોટા ખર્ચાઓ ટાળવા જેવા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં સરકાર દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા ઠાકોર સમાજ, બક્ષીપંચ સમાજ, એસ.સી. અને એસ.ટી. સમાજોને વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવામાં આવતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે બક્ષીપંચ સમાજ સહિત અન્ય સમાજોને વિકાસની ફાળવણીમાં પણ સરકાર દ્વારા સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાની તાકાત બતાવવા માટે જ આજે પાટણમાં ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું આ સંમેલન મળ્યું હતું. તેમણે આગામી દિવસોમાં પોતાના હક અને અધિકારોની લડાઈ માટે સરકાર સામે લડત લડવાની પણ જાહેરાત કરી હતી. અમિત ચાવડાએ ગુજરાતની જનતા વચ્ચે જવા માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને હાલના સંગઠનની સમીક્ષા કરી નવા યોગ્ય લોકોને તક આપવા તેમજ જે લોકો કામ નથી કરતા તેમને બદલવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નવા સંગઠનની પુનઃરચનાની શરૂઆત 16મી તારીખે અરવલ્લી ખાતેથી રાહુલ ગાંધી કરાવશે.
સંમેલનમાં હાજર રહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ભાજપ સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો અને મંત્રીઓને પાવર વગરના પ્રધાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજે સરકાર પાસે જે માંગણીઓ કરી છે, તે જો ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ પૂરી કરાવશે તો તેઓ તેમનો પણ આભાર માનશે. ગેનીબેને ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક લાભો અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી.
એક તરફ સંમેલનમાં કલોલના પૂર્વ ધારાસભ્યએ ભાજપમાં ગયેલા ઠાકોર સમાજના નેતાઓને નખ વગરના સિંહ ગણાવ્યા હતા, તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે તેમને પાવર વગરના પ્રધાન કહીને તેમની સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો. આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું, જ્યાં સમાજના વિકાસ અને રાજકીય સશક્તિકરણ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.





















