ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન, રાજ્યમાં સરેરાશ 10.46 ટકા વરસાદ વરસ્યો
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ રાજ્યમાં 33 જિલ્લાના 227 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 43 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 152 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
18 જૂન, 2025ના રોજ સવારે ૬ કલાક સુધીમાં રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને બચાવાયા હતા. ગઢડાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરો ફસાયા હતા. NDRFની ટીમે 18 લોકોને બચાવ્યા હતા. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું. બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા હતા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પરના પુલને નુકસાન થયું છે. પાણીના ધસમસતા પ્રવાહ બાદ પુલ પર ઠેક ઠેકાણે ખાડા પડ્યા હતા.
વરસાદના કારણે રાજ્યમાં 18 લોકોના મોત
રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.




















