Gujarat Rain: વલસાડમાં શરૂ થયો વરસાદ, ધરતીપુત્રોમાં આનંદ
Gujarat Monsoon: હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ નથી.
Gujarat Rain: વલસાડમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. જેને લઈ ધરતીપુત્રોમાં આનંદ છે. વરસાદથી મુરજાતી મોલાતને નવજીવન મળશે. વલસાડના પારડી, સાંઢપોર, ગુંદલાવ અને નેશનલ હાઇવે 48 પર વરસાદ છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. જે બાદ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સાથે અલનીનોની અસર હોવાની પણ વાત હવામાન વિભાગે કરી છે. સિસ્ટમો ગુજરાતની નજીક આવીને ફંટાઈ રહી છે જેના કારણે પણ રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થઈ રહ્યો નથી.
વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા
અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો જે વરસાદ થયો છે તેમાં 23 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે સિઝનનો 95 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. અલનીનોની અસર અને અરબી સમુદ્ર પણ એક્ટિવ નથી, આ સાથે બંગાળની ખાડીમાં જે કોઈ સિસ્ટમ બની રહી છે તે મોટાભાગે ઉત્તર તરફ ગતિ કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ જોઈએ તેટલો વરસાદ થઈ રહ્યો નથી. હવામાન વિભાગે વરસાદમાં ઘટાડાની વાત કરીને તાપમાનમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાંથી એકાએક વરસાદ ગાયબ થઈ ગયો છે. લોકો વરસાદની કાગડોળ રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે રાજ્યમાં વરસાદમાં વિરામ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ નથી. હવામાન વિભાગે આજે એક-બે જગ્યાએ હળવો તથા અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 27 ઓગસ્ટ પછી રાજ્યમાં ક્યાંય પણ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી, મહિનાના અંતે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ પછી, કોઈ મોટો ફેરફાર થશે નહીં, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.