Gujarat Rain: અંકલેશ્વર અને ભરૂચમાં જળબંબાકાર, રાજ્યમાં 11 હજાર 900 લોકોનું કરાયુ સ્થળાંતર
Gujarat Rain: નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે
Gujarat Rain: નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટને અડી ગઈ હતી. ગોલ્ડનબ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેનાથી 10 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે. અને હજુ પણ વધુ પાણી વધવાની શક્યતાઓ છે. નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. તે સિવાય મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 270થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્રશાસનની સુચનાનું પાલન કરે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તૂટી પડેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા સૌ નાગરિકોને અપીલ કરું છું.
નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં હાલ 12 થી વધુ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે જ્યાં ખાવા પીવા અને આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે.