NAVSARI : નવસારીમાં પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
Rain in Gujarat : નવસારી જિલ્લામાં રાહતની કામગીરી સુચારૂરૂપે કરી શકાય તે માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવ્યા છે.
NAVSARI : નવસારી જિલ્લામાં પુરમના પાણી ઓસરતાં પ્રશાસન અને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. આ અંગે રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે તેમજ કેશડોલ્સ વિતરણની કામગીરી 132 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે.
ગુજરાત સરકારે 5 કરોડ ફાળવ્યાં
નવસારી જિલ્લામાં રાહતની કામગીરી સુચારૂરૂપે કરી શકાય તે માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રૂપિયા ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
103 ગામોમાં વીજળી પૂર્વવત કરી દેવાઇ
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 14,642 બસ રૂટમાંથી 140 રૂટ બંધ છે જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. રાજ્યનાં 18000 ગામો પૈકી માત્ર 126 ગામોમાં વીજળી બંધ હતી તેમાંથી 103 ગામોમાં વીજળી પૂર્વવત કરી દેવાઇ છે જ્યારે બાકીના 23 ગામોમાં વીજળી ઝડપથી ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. તા.1 જુનથી 31 જુલાઇ સુધી માછીમારી કરવા પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
બંધ માર્ગો શરૂ કરવા કવાયત
કહ્યું હતું કે રાજ્યમાં વધુ વરસાદના કારણે છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ અને પોરબંદરમાં કુલ 9 સ્ટેટ હાઇવે, પંચાયત હેઠળના 171 રસ્તા તેમજ કચ્છ, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 એમ કુલ 4 નેશનલ હાઇવે બંધ છે. આ તમામ માર્ગો બનતી ત્વરાએ ચાલુ કરવા વહીવટી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર સરકાર તમામ ગુજરાતીઓની પડખે છે,તમામ મદદ માટે તત્પર છે. કોઇએ પણ કોઇપણ સ્થિતિમાં ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ ગુજરાત સરકાર વતી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો.