Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

- ગુજરાતના 27 જિલ્લાના 109 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો.
- ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ જળસપાટીમાં વધારો થયો.
- આગામી 8-12 ઓગસ્ટ દરમિયાન વધુ વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સવાર સુધીમાં રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકાઓમાં ઝરમરથી લઈને 2.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, સતત પાણીની આવકને કારણે દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમ અને રાજ્યની જીવનરેખા ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે આવનારા દિવસોમાં પાણીના સંગ્રહ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
27 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સવાર સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 2.52 ઇંચ નોંધાયો હતો. જ્યારે નાનાપોંઢામાં 2.13 ઇંચ અને ધરમપુરમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ડાંગ જિલ્લાના આહવા અને આનંદ જિલ્લાના ખંભાતમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં 1.26 ઇંચ જ્યારે વાપી અને વડોદરા જિલ્લાના પાદરામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક
દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. આજે સવારે 8 વાગ્યે ઉકાઈ ડેમની જળસપાટી 333.88 ફૂટ સુધી પહોંચી હોવાનું નોંધાયું છે. ડેમમાં સતત પાણીની આવકને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 43 સેન્ટીમીટરનો વધારો
રાજ્યની જીવનરેખા સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીના સંગ્રહમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમની મહત્તમ જળસંગ્રહ ક્ષમતા 138.68 મીટર છે, જ્યારે હાલ ડેમની જળસપાટી 132.10 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 43 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જે ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્ય માટે સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા
રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેતાં જળાશયોમાં પાણીની આવક વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદને કારણે ડેમોની જળસપાટીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણીના સંગ્રહમાં થઈ રહેલો વધારો ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે રાહતરૂપ બની શકે છે.
આ પણ વાંચો- અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી: 5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે 8થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.






















