ગુજરાતમાં આફત: આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ તૂટી પડશે, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર માવઠું! હવામાન વિભાગની આગાહી
રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના, લોકોને સાવચેત રહેવા અપીલ.

Gujarat rain alert today: ગુજરાતમાં હવામાનનો મિજાજ ફરી પલટાયો છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ કલાક (આજે, શનિવાર) દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદ ભારે પવન સાથે આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગે ખાસ કરીને ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં સમાવેશ થાય છે:
- રાજકોટ
- જામનગર
- પોરબંદર
- જૂનાગઢ
- અમરેલી
- ભાવનગર
- કચ્છ
- મોરબી
- ગીર સોમનાથ
- બોટાદ
- દીવ
આ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા હોવાથી, લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને પોતાના ઉભા પાકને વરસાદથી બચાવવા માટે શક્ય તમામ પગલાં લેવા માટે સૂચન કરાયું છે.
ઉપલેટામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી નાળાઓમાં પાણીની ભારે આવક જોવા મળી છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
ઉપલેટા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુઢેચ, ભીમોરા, અને ખાસ કરીને તલંગણામાં ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો છે. તલંગણા ગામમાં તો કમોસમી ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
તલંગણામાં ભારે વરસાદના કારણે સ્થાનિક હોકળા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
ભરઉનાળે અચાનક આવેલા આ વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ખાસ કરીને ઉનાળુ પાકને આ માવઠું મોટું નુકસાન પહોંચાડી શકે છે.
અચાનક બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે સ્થાનિક લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાનો અનુભવ થયો છે, જેણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.




















