માથે મંડરાતો વરસાદ: નવરાત્રિ પહેલા ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'યલો ઍલર્ટ' જાહેર; તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા.

Gujarat Rains: હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને કારણે રાજ્યમાં ચોમાસાના અંતિમ તબક્કાનો માહોલ જામી રહ્યો છે, અને આગામી નવરાત્રિના તહેવારો પર પણ વરસાદની અસર થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી
ગુજરાત પર હજી ચોમાસાનો છેલ્લો રાઉન્ડ બાકી છે. બંગાળની ખાડીમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે, જેના કારણે આગામી 48 કલાક રાજ્ય માટે ભારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ થવાની પૂરી સંભાવના છે, જેમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ વરસાદ થંડરસ્ટ્રોમ સાથે પણ આવી શકે છે.
આ ભારે વરસાદને કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સંઘ પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને કારણે સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
નવરાત્રિ અને અન્ય જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓ, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે, ત્યાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બની રહેલી આ સિસ્ટમને કારણે, આસો નવરાત્રિના પર્વ દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. આના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે.
ચોમાસાએ ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ આ નવી સિસ્ટમને કારણે તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે. આ વરસાદ ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ સાબિત થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યના 50 થી 60 ટકા વિસ્તારોમાં વરસાદનો છેલ્લો મોટો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે હોવાનું અનુમાન છે, જ્યાં 1 થી 5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આ આગાહી ખાસ કરીને નવરાત્રિના આયોજકો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. હાલમાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે, ત્યારબાદ વાતાવરણ સ્વચ્છ થશે.





















