Gujarat Rain: સાત દિવસ ભારે વરસાદની આગાહી, આજે અમદાવાદમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે એક બે જગ્યા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 23 થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રીય
એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. આ દિવસોમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જો કે 24 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં 24 જુલાઇ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.





















