Chotaudaipur Rain: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, ઓરસંગ નદી બે કાંઠે
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
છોટાઉદેપુર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. છોટા ઉદેપુરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે વાહનો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધીમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વરસાદને લઇ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે બાઇક સવાર અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.
છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં બે કલાકમાં 2-2- ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને લઈ ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છે.
સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું અનુમાન છે.