Valsad Rain: વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
લસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો. ધરમપુર અને કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની હદ પર આવેલા અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

વલસાડ: વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો. ધરમપુર અને કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની હદ પર આવેલા અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વરસતા કમોસમી વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
કપરાડા તાલુકાના અંધાર પાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓઝર સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ પિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ પહાડી વિસ્તારમાં વરસાદને લઇ નદી નાળાઓમાં નવા નીરની આવક થઇ રહી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ, ધાડવી, ટૂકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત તો મળી હતી પરંતુ ભર ઉનાળે કમોસમી વરસાદને લઇ કેરી અને લીલા શાકભાજીમાં નુકસાનને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠીના કેરાળા, પીપળીયા, જરખીયા ગામમાં વરસાદ વરસ્યો છે. હરીપર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેરાળા ગામની બજારમાં પાણી વહેતા થયા હતા. અમરેલી-લાઠી હાઈવે પર ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
માવઠાની આગાહી કરવામાં આવી
અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં વરસાદનું અનુમાન છે. દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં કમોસમી વરસાદનું અનુમાન છે. નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાનું અનુમાન છે . દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
ચોમાસું વહેલું આવવાની શક્યતા
ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ વહેલું પહોંચ્યું છે. આ કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલુ થશે તેમ માનવામાં આવે છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું આવશે. કેરળમાં 27મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવી સ્થિતિ છે. ગુજરાતમાં પણ ચોમાસુ વહેલા આવવાની શકયતા છે.





















