રાજકોટ, જામનગર, કચ્છ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી, રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ અને લોધિકા તાલુકામાં રાત્રીના 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોટડાંસાગાણી તાલુકામાં સાડા ત્રણ ઈંચ, જામકંડોરણામાં અઢી ઈંચ, ધોરાજીમાં બે અને રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કપાસના પાકના મૂળ સળી ગયા છે. પાણી લાગી જવાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. કઠોળનો પાક પણ તૈયાર છે. પરંતુ જો બે થી ત્રણ દિવસ આજ રીતે વરસાદ પડશે તો કઠોળના પાકમાં પણ નુક્શાન થશે. જો કે વરસાદી માહોલના કારણે રાજકોટના ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
જામજોધપુરમાં ભારે વરસાદ
જામનગરના જામજોધપુર પંથકમાં પણ રાત્રે વરસાદ નોંધાયો છે. જાજોધપુરના શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રામવાડી, તિરૂપતિ નગર, સુભાષ ચોક, આઝાદ ચોક, બેરિસ્ટર ચોક સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોધાયો છે. ગીગણી, સીદસર, બાલવા, ધ્રાફા, વાલાસન, મોટીભરડ સહિત અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.
કચ્છમાં વરસાદ
કચ્છ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે. નખત્રાણાના તાલુકાના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. પાવરપટ્ટી વિસ્તાર, સાયરા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો ભુજના દેશલપર, વાંઢાય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. તમાંડવીના ગઢસીસામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો આ તરફ અંજારમાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લામાં પણ કડાકા સાથે વરસાદ નોંધાયો છે. અમરેલી, બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બાબરાના કરિયાણા, દરેડ, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં પણ વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તો વડિયા અને સાવરકુંડલામાં પંથકમાં પણ વરસાદ પડ્યો છે. વડિયા શહેરમાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ છે. તો સાવરકુંડલા શહેરના પણ કેટલા વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.