આજે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, અમરેલીની ધાતરવડી નદીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યૂ
ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેસર, પાલિતાણા,મહુવા,સિહોર, ગારિયાધાર અને ઉમરાળા સહિતના તાલુકા જળબંબાકાર થયા. ગઇકાલે સાંજના 6 વાગ્યા સુધીમાં જેસર, પાલિતાણા અને સિહોર તાલુકામાં 10-10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગારિયાધાર અને ઉમરાળામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. રસ્તા પરના વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાની દુકાન પણ ખોલી શક્યા નહીં.
ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. તલગાજરડા ગામમાં તો 6 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા. તલગાજરડાની સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતાં 40 જેટલા બાળકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યૂ ઑપરેશન શરુ કરાયું હતું. ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ગામમાંથી બહાર લાવી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
ટાણા અને જવાપર ગામને જોડતો કોઝવે નદીમાં પાણીમાં તણાઇ ગયો હતો. ભારે વરસાદને લઈ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કોઝવે પુલ તણાઇ ગયો હતો. કોઝવે પુલ તૂટી જતાં ટાણા ગામથી પાલિતાણા જવાનો હાઈવે બંધ થયો હતો.
ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું. ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. 10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.
ગારિયાધાર તાલુકાના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સમઢીયાળા ગામમાં મકાનની દીવાલ તૂટતા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘોઘા તાલુકાના ખરકડી અને અગિયાળી ગામ વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઈ વાહનવ્યહાર બંધ થયો હતો.
મહુવા તાલુકો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓમાં પૂર આવ્યું હતું. માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. મહુવા તાલુકાનો સૌથી મોટો માલણ ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું અને હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા હતા. તો બગડ નદીના પાણી પણ કોઝવે પરથી વહી રહ્યા છે. બગડ ડેમ 80 ટકા ભરાઈ ગયો હતો. રોજકી નદીમાં પણ પૂર આવ્યું હતું.



















