![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાટણના સાંતલપુરમાં ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે
![પાટણના સાંતલપુરમાં ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા Heavy rains lead to flooded roads In Patan's Santalpur પાટણના સાંતલપુરમાં ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/702d5f3d522b044fae7858a9c8fbe092168689929633174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જ જોવા મળી હતી. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણના સાંતલપુર તાલુકાના અનરાધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બજારોમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.
બનાસકાંઠામાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.
કચ્છમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા
કચ્છના તમામ તાલુકાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. દ્વારકા અને ઓખામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં વીજળી ગુલ થઇ હતી. ભૂજથી મુન્દ્રા માર્ગ પર અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયાથી ભૂજના રસ્તા પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંડવીના અનેક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા શેડ પણ ઉડી ગયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહ્યા છે.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)