ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદ માટે બે પાટીદાર સહિત કઈ 3 નેતાના દિલ્હીમાં લેવાયા ઈન્ટરવ્યૂ ?
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા તેજ કરાઈ છે. કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, આગામી 15 દિવસોમાં ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ જાહેર થઈ શકે છે.
કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખપદ માટે દિલ્હી ખાતે ગુજરાતના 3 દાવેદારોના ઇન્ટરવ્યૂ લેવાયા છે. આ દાવેદારોમાં અમદાવાદનાં ગીતાબેન પટેલ, વડોદરાનાં તૃપ્તિ ઝવેરી અને અમરેલીનાં જેની ઠુમ્મરનો સમાવેશ થાય છે. જેની ઠુમ્મર કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરનાં દીકરી છે.
ગુજરાતમાંથી શોર્ટલીસ્ટ થયેલી 3 મહિલાઓને દિલ્હી બોલાવાઈ હતી. રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડીસુઝાએ ત્રણેય મહિલા દાવેદારના ઇન્ટરવ્યૂ લીધા હતા.
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે એવી અટકળો ચાલી રહી છે. આ કારણે ગીતાબેન અને જેની ઠુમ્મર પ્રબળ દાવેદાર છે. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે.
આ પહેલાં વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું હતું. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે એવો દાવો થતો હતો પણ હવે વંદના પટેલ ચિત્રમાં નથી.
રાજકોટનાં ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગાયત્રીબાના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કોને બેસાડવા તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.
ગીતા પટેલ પાટીદાર અનમાત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા.
સૂત્રોના મતે, હાલમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ગીતાબેન પટેલ અને જેની ઠુમ્મર પ્રબળ દાવેદાર છે. ઠુમ્મર સૌરાષ્ટ્રનાં હોવાથી અને કોંગ્રેસ સંગઠનમા સતત સક્રિય હોવાથી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ શકે છે.