જૂનાગઢ ખેડૂત આપઘાતઃ કોણે સરકારને કહ્યું, 'વાતો કરવાથી કંઈ નહિ થાય પેકેજ જાહેર કરો'
ખેડૂતના આપઘાત મુદ્દે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કહ્યું હતું કે, સરકારને ખૂબ વિનંતી કરી, તો પણ 2 સપ્ટેમ્બર 19 ઈંચ વરસાદ પડ્યો , કપાસના ઝીડવા ખરી પડ્યા, સંપૂર્ણ કપાસનો પાક ફેઈલ ગયો.
જૂનાગઢઃ વિસાવદરના ભલગામે ખેડૂત ગોકળભાઈ વેકરિયાએ ઝેરી દેવા પીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના ઊભા પાક બળી ગયા છે. ત્યારે આપઘાત કરનાર ખેડૂતનો કપાસનો પાક બળી જતા હતા ચિંતામાં હતા. ભારે વરસાદને કારણે વીજળી પડતા કપાસના પાકમાં આગ લાગી હતી અને પાક નિષ્ફળ ગયો હતો. વિસાવદર પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ખેડૂતના આપઘાત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યે સરકાર પર પ્રહાર કર્યા છે.
ખેડૂતના આપઘાત મુદ્દે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કહ્યું હતું કે, સરકારને ખૂબ વિનંતી કરી, તો પણ 2 સપ્ટેમ્બર 19 ઈંચ વરસાદ પડ્યો , કપાસના ઝીડવા ખરી પડ્યા, સંપૂર્ણ કપાસનો પાક ફેઈલ ગયો. આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે. સરકારને કહ્યુ વાતો કરવાથી કંઈ નહિ થાય, પેકેજ જાહેર કરો. કપાસ, મગફળી, સોયાબીન તમામ પાક ફેઈલ ગયા છે. હજી સુધી સર્વે નથી થતો અને પેકેજ જાહેર નથી થતું. નોંધનીય છે કે, વિસાવદરના ખેડૂતે ગુરુવારે આત્મહત્યા કરી હતી. સારવાર દરમિયાન ગઈ કાલે મોત થયું હતું.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે. માછીમારોને 12 કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
મચ્છુ ડેમ 100 ટકા ભરાયો
મોરબી પંથક અને ઉપવાસમાં ધોધમાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનાં 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાનાં ગામોને એલર્ટ કરાયા છે. નવા પાણીની આવકથી મચ્છુ 1 ડેમ બાદ મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ સંપુર્ણ ભરાતા શહેરીજનોની પાણી અને સિંચાઇની સમસ્યા હલ થઈ ગઈ છે. ડેમનાં દરવાજા ખોલાતા મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ પર છે.
તો માળીયા મિયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરાયા છે.