જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, માળીયા હાટીનાનું આછીદ્રા ગામ ફેરવાયું બેટમાં
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો

Background
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં નવ ઇંચ અને વિસાવરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ
આ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું.
માંગરોળના ફરંગટા ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી
માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો પાણી ભરાયા હતા.




















