Junagadh: જૂનાગઢના શિવરાત્રિ મેળાનો આજથી પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા ભક્તો
Junagadh: જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે
Junagadh: જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે.
શિવરાત્રીના દિવસે નીકળતી શાહી રવેડી પણ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. રવેડીમાં સાધુ સંતો પોતાના ચિત પરિચિત અંદાજમાં અવનવા કરતબ દેખાડતા હોય છે. રવેડી પૂર્ણ થયા બાદ તમામ સાધુ સંતો ભવનાથ મંદિર ખાતે આવેલ મૃગી કુંડમા શાહી સ્નાન કરતા હોય છે. સાધુ-સંતો અને દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે એ માટે પ્રશાસને પણ તમામ તૈયારીઓ કરી છે.
ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.
પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે. જેમાં જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટી સુધીના વિસ્તારોને 5 અલગ અલગ ઝોનમાં વિભાજિત કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ડ્યૂટી ફાળવવામાં આવી છે.
આ પ્રત્યેક ઝોનમાં ડીવાયએસપીના સુપરવિઝન સાથે એસઆરપી જવાનો 24 કલાક મેળામાં આવતા પ્રવાસીઓની સુરક્ષાને સઘન બનાવશે. પોલીસ બોડી વાર્ન કેમેરા, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને મેળા અને ભવનાથ આવેલા યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી કરશે. આ સિવાય મહિલા અને બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પાડે અને મુશ્કેલીના સમયમાં તેને સુરક્ષા આપી શકાય તે માટે 10 જેટલી શી ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં લાગેલા સીસીટીવી સિવાય વધારાના 79 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવશે. જેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભું કરવામાં આવ્યું છે.