(Source: ECI/ABP News/ABP Majha)
જૂનાગઢ: માતા-પિતાને ભોજનમાં ઊંઘનો પદાર્થ આપી યુવતી પલાયન
જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા-પિતાને ભોજનમાં ઘેન (નીંદર) નો પદાર્થ આપી યુવતી પલાયન થઈ ગઈ છે.
જૂનાગઢ: જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા-પિતાને ભોજનમાં ઘેન (નીંદર) નો પદાર્થ આપી યુવતી પલાયન થઈ ગઈ છે. યુવતી ઘરમાંથી 7 અલગ-અલગ ડેબિટ ક્રેડિટ કાર્ડ લઇ પલાયન થઈ ગઈ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મોબાઈલ ટ્રેસમાં યુવતીનું લોકેશન છેલ્લે ઉત્તરપ્રદેશ મળ્યું છે. આ યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે.
જૂનાગઢ શહેરના મોતીબાગ નજીક આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી21 વર્ષની યુવતીએ ગત તારીખ 7નાં બપોરે રોટલીમાં ઘેનની દવા નાખી તે રોટલી માતા-પિતાને ખવડાવી હતી. ઘેનની અસરના કારણે માતાપિતા ઊંઘી ગયા બાદ આ યુવતી ઘરમાંથી તમામ મોબાઈલ અને સાત એટીએમ તથા ક્રેડીટકાર્ડ લઈને જતી રહી હતી. આ કાર્ડમાંથી અનેક ટ્રાન્ઝેક્શન થયા છે. પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરતા તારીખ 7ના યુવતીના મોબાઈલનું લોકેશન રાજકોટ માધાપર ચોકડી નજીક આવ્યું હતું.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ યુવતીના ટ્રાન્ઝેક્શન મુજબ તેણી ફ્લાઈટમાં રાયબરેલી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એમ.વાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. યુવતીને લોકેશન છેલ્લે રાજકોટનું આવ્યું હતું. મોબાઈલ અને એટીએમ તેમજ ક્રેડીટકાર્ડના ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર: વઢવાણમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો
વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો હતો. ગણપતિ ફાટસર પાસે આવેલ કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
વઢવાણના કેટલાક વિસ્તારમા જાણે હજુ પણ વિકાસ ન પહોંચ્યો હોય તેમ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમીક સુવિધાથી વંચીત રહેતા રહીશોને ના છુટકે ચક્કાજામ કરવાનો માર્ગ અપનાવવો પડે છે. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા રહીશોએ પ્રાથમીક સુવિધાઓ માટે રજુઆતો કરીને થાકયા પછી ચક્કાજામ કર્યો હતો.