વ્યાજખોરોનો આતંક! "થાકી ગયો છું..." સુસાઈડ નોટ લખી કડીના આખા પરિવારે કેનાલમાં કૂદીને મોત વ્હાલું કર્યું!
શંખેશ્વરના ફેબ્રિકેશન વ્યવસાયી ધર્મેશ પંચાલ, પત્ની ઉર્મિલા અને ૧૦ વર્ષના પુત્ર પ્રકાશે કેનાલમાં ઝંપલાવ્યું; સુસાઈડ નોટ મળી, પોલીસ તપાસ શરૂ.

Kadi family suicide case: મહેસાણા જિલ્લાના કડી પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પાટણના શંખેશ્વરના ફેબ્રિકેશન વ્યવસાયી ધર્મેશભાઈ ખેતાભાઈ પંચાલ (ઉ.વ. ૩૮), તેમની પત્ની ઉર્મિલાબેન ધર્મેશભાઈ પંચાલ (ઉ.વ. ૩૬) અને ૧૦ વર્ષના પુત્ર પ્રકાશભાઈ ધર્મેશભાઈ પંચાલ એક જ પરિવારના ત્રણેય સભ્યોએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચકચાર મચી જવા પામી છે.
આત્મહત્યા પૂર્વે સુસાઈડ નોટ મળી
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ધર્મેશભાઈએ લખ્યું છે કે, "થાકી ગયો છું, કોઈ રસ્તો નથી દેખાતો એટલે જિંદગી ખલાસ કરું છું." આ પ્રાથમિક માહિતી સૂચવે છે કે પરિવાર વ્યાજખોરોના ત્રાસથી એટલો કંટાળી ગયો હતો કે તેમણે આ અંતિમ પગલું ભર્યું. ધર્મેશભાઈના પિતા ખેતાભાઈ પંચાલે પણ જણાવ્યું કે, તેમનો પુત્ર છેલ્લા દસ વર્ષથી શંખેશ્વરમાં ફેબ્રિકેશનનો ધંધો કરતો હતો અને તેણે વ્યાજે રૂપિયા લીધા હોઈ, વ્યાજખોરો તેને ધાક ધમકી આપતા હતા.
ઘટનાક્રમ અને મૃતદેહોની શોધખોળ
શનિવારે (૭ જૂન) મોડી રાત્રે કડી નજીક આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી ઉર્મિલાબેન અને પુત્ર પ્રકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, આજે રવિવારે સવારે બલાસર નર્મદા કેનાલમાંથી ધર્મેશભાઈનો મૃતદેહ પણ મળી આવ્યો. પોલીસે ત્રણેય મૃતદેહોને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને કેનાલ પાસેથી પરિવારની ગાડી પણ મળી આવી હતી, જેમાંથી સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન પણ મળ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, ધર્મેશભાઈએ આત્મહત્યાનો વિચાર કરી આ ચિઠ્ઠી પોતાની પત્ની ઉર્મિલાને સંબોધીને લખી હશે. ત્યારબાદ, પત્નીને આ અંગે જાણ થતા તેણે પણ પુત્ર સાથે જીવન ટૂંકાવવાનું મન બનાવી લીધું હોય અને આખો પરિવાર શંખેશ્વરથી કડી આવીને કેનાલમાં કૂદી પડ્યો હોય. જોકે, સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૫૦ કિલોમીટરથી વધુ નર્મદા કેનાલનો ભાગ આવેલો છે, જ્યાં વારંવાર આત્મહત્યાના બનાવો બને છે. આ ઘટનાએ ફરી એકવાર વ્યાજખોરોના દૂષણ અને તેના ભયાવહ પરિણામો પર પ્રકાશ પાડ્યો છે. ધર્મેશભાઈના પિતાએ સરકારને ન્યાય મળે તેવી ભાવભીની અપીલ કરી છે.




















