અમરેલીના સાવરકુંડલા મહુવા રોડ પર ગમખ્વાર અકસ્માત: કિયા કારે બે બાઇકને હડફેટે લેતા પાંચને ગંભીર ઇજા, એક મહિલાનું મોત
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડાયા, સાવરકુંડલા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી.

Savarkundla Mahuva Road Accident: સાવરકુંડલા મહુવા રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કિયા ફોરવ્હીલ કારના ચાલકે બે બાઇક ચાલકોને હડફેટે લેતા બાઇક પર સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કિયા કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને બે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતક અને ઇજાગ્રસ્તોની વિગતો
આ દુર્ઘટનામાં વનીતાબેન ચીમનલાલ જોશી (ઉંમર ૫૮) નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઇજાગ્રસ્તોમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે:
- કેતનભાઈ ચીમનલાલ જોશી (ઉંમર ૩૫, ગામ: બાઢડા)
- રિદ્ધિબેન કેતનભાઈ જોશી (ઉંમર ૨૮)
- જય અજીતભાઈ જોશી (ઉંમર ૧૪)
- રિવાબેન કેતનભાઈ જોશી (ઉંમર ૩)
ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર થયેલા કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ કરી રહી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરતના બારડોલી-કડોદ રોડ પર ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત
બારડોલી-કડોદ રોડ પર કડોદ ગામ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આજે સવારે બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેણે અકસ્માતનું રહસ્ય ખોલ્યું છે. સીસીટીવી ફૂટેજ મુજબ, પૂરઝડપે જઈ રહેલો બાઈક ચાલક પહેલા આગળ જઈ રહેલા એક ટેમ્પા સાથે અથડાયો હતો. ટેમ્પા સાથે અથડાયા બાદ બાઈક ચાલક સામેથી આવતા ડમ્પર નીચે ઘૂસી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.





















