લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી
Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, આગામી દિવસોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આકરો ઉનાળો મે મહિનામાં તપી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ પણ આગામી બે દિવસ સુધી ગરમી વધશે. મંગળવારે અમદાવાદમા ગરમીનો પારો 44.8 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, જ્યારે રાજકોટ પણ 44.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.
રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, આગામી દિવસોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ હજુ આભમાંથી અગનવર્ષા વરસશે. આગામી બે દિવસ સુધી અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. તાજા અપડેટમાં ગઇકાલે એટલે કે મંગળવારે 44.8 સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યુ હતુ, છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હૉટેસ્ટ દિવસ 29 એપ્રિલે 44.8 ડિગ્રી સાથે નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં 44.9 ડિગ્રી સાથે રાજકોટ પણ હૉટેસ્ટ સિટી બન્યુ હતુ. અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી હજુ પણ યથાવત છે.
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કંડલા (બંદર) માં 36, કંડલા (એરપોર્ટ) માં 45.6 ડિગ્રી, અમરેલીમાં 41, ભાવનગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહુવામાં 35, ગાંધીનગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40, વડોદરામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં હજુ પણ લોકોએ ગરમી સહન કરવી પડશે.
ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.





















