Weather: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, આ 4 શહેરમાં હિટવેવની ચેતવણી, રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી
Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ અંગ દઝાડતી ભીષણ ગરમીની આગાહી છે. રાજકોટ 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું

Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં હજુ આભમાંથી અગનવર્ષા વરસશે.હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. મંગળવારે 44.8 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું. છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હોટેસ્ટ દિવસ 29 એપ્રિલનો રહ્યો છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું કાલે રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી રહ્યું. અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે 4 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે.
30મી એપ્રિલથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે
2 મેના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના તાપમાનમાં એક સપ્તાહથી વધુ સમય સુધી વધારો નહીં થાય. દિલ્હી, પંજાબ અને હરિયાણાના મોટા ભાગોને આજ સુધી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી મોટા ફેરફારો જોવા મળશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રને છોડીને સમગ્ર દેશમાં હવામાન બદલાશે. બુધવારે 30 એપ્રિલ પણ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. રાજસ્થાનમાં પણ ભેજવાળા પવનો ફૂંકાશે
અન્ય રાજ્યની વાત કરીએ તો દિલ્હી-NCRનું હવામાન બદલાવાનું છે. મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગે બુધવારે આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી કરી છે. 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 અને 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હાલ હીટ વેવની કોઈ શક્યતા નથી. તાપમાન પણ 40 ડિગ્રીથી નીચે રહેશે. આ દરમિયાન પવન પણ ફૂંકાતા રહેશે. બીજી તરફ દિલ્હીની હવાની ગુણવત્તા હજુ પણ ખરાબ શ્રેણીમાં છે. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું.





















