રાજ્યમાં છેલ્લા સાત વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ, ખેડૂતોની હાલત કફોડી – પાક સુકાઈ જવાની ભીતિ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઈ શકે છે.
રાજ્યમાં આ વર્ષે એક સપ્તાહ વહેલું ચોમાસું શરૂ થયું હતું. પરંતુ છેલ્લા સાત વર્ષમાં સૌથી નબળું ચોમાસું આ વર્ષનું સાબિત થઈ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 12.26 ઈંચ જ વરસાદ નોંધાયો છે. જ્યારે ગયા વર્ષે 16 ઓગસ્ટ 2020 સુધી રાજ્યમાં સરેરાશ 25.67 ઈંચ અને વર્ષ 2019માં 28.21 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા 6 વર્ષ એટલે કે 2015થી લઈ 2020 સુધીમાં 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 56 ટકાથી લઈને 86 ટકા સુધીનો વરસાદ પડવાનો સિલસિલો રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષે આ સિલસિલો અટકી ગયો છે. આ વર્ષે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ સૌથી ઓછો વરસાદ પડ્યો છે. વરસાદના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે અને પાક સુકાઈ જવાની ભીતિ છે.
વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 37.09 ટકા જ વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યમાં વરસાદની 48 ટકા ઘટ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે ફરી ચોમાસુ જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ગુરૂવારથી શનિવાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેને લીધે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર ગુરૂવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ સિવાય કેટલાક જિલ્લામાં ગુરૂવારથી શનિવાર સુધી 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ થાય છે.
કચ્છ ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 31.74 ટકા વરસાદ નોંધાયો..તો ઉત્તર ગુજરાતમાં 31.26 ટકા, મધ્ય ગુજરાતમાં 34.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.01 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે..વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં છે.