LokSabha: પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓ પર લગાવ્યા હપ્તાખોરીના આરોપો, શું બોલ્યા ?
રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે
Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, રાજ્યમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે, તો કોંગ્રેસે હજુ પણ પુરેપુરા ઉમેદવારો ઉતાર્યા નથી, પરંતુ રાજ્યમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની બરાબરની ટક્કર જોવા મળી રહી છે. અહીં ભાજપે ડૉ. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન બેઠક પર તાબડતોડ પ્રચાર કરી રહ્યાં છે, હવે તેમને પ્રચાર દરમિયાન પોલીસ અને અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ બનાસકાંઠા બેઠક પર પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપની સાથે સાથે પોલીસ અને અધિકારીઓને પણ આડા હાથે લીધા હતા. તેમને પોલીસ અને અધિકારીઓ પર હપ્તાખોરીનો ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓ પર હપ્તા લેવાના આરોપો લગાવ્યા, તેમને એક સભા દરમિયાન કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. તેમને મર્યાદાઓ છોડી દીધી છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે. ગેનીબેનના આ આરોપો બાદ રાજ્યમાં ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે.
કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.
બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો
બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.
બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
જ્ઞાતિ પ્રમાણે મતદારો
ઠાકોર | 3,43,122 |
ચોધરી | 2,70,950 |
અનુ.જાતિ | 1,60,321 |
રબારી | 1,58,005 |
રાજપૂત | 66,497 |
બ્રાહ્મણ | 95,610 |
પ્રજાપતિ | 68,563 |
અનુ.જનજાતિ | 171,632 |
દરબાર | 71,450 |
મુસ્લિમ | 96,242 |
પાટીદાર | 39,345 |
માળી | 47,635 |